સ્કૂલો બંધ કરાવવાની ધમકીઓ આપી સંચાલકો પાસેથી પૈસા પડાવતા ઝડપાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલે સુરતના પલસાણા પાસેની વધુ એક સ્કૂલના સંચાલકને પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી 13.50 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાનું ખૂલતા આ મામલે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત તથા આસપાસના શહેરોમાં જય અંબે વિદ્યાલય નામે 18 જેટલી સ્કૂલો ચલાવતા પ્રકાશ ગજેરા નામના સંચાલક પાસેથી મહેન્દ્ર પટેલે 66 લાખ પડાવ્યા હતા.
આ જ મોડસ ઓપરેન્ડીથી તેણે સુરતની જ પલસાણા નજીક તાતીથૈયા ગામે આવેલ કેપીટલ મોર્ડન સ્કૂલના સંચાલક પાસેથી પણ 13.50 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ સંચાલક બાબુભાઇ જીવરાજભાઇ સેંજલિયા (રહે. સુરત, મુળ રહે. દલખાણિયા,ધારી) પોતે યોગી ચોકમાં આવેલ હરેક્રિષ્ણા સ્કૂલમાં આચાર્ય છે. તેઓએ પોતાના મિત્રો સાથે કેપીટલ મોર્ડન સ્કૂલ ચાલુ કરી હતી. જે સ્કૂલ બંધ કરાવી દેવા માટે મહેન્દ્ર પટેલે બોર્ડમાં અરજી કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોર્ડે પ્રથમ વખત તમામ ડોક્યૂમેન્ટ સાચા હોવાનું હિયરિંગ દરમિયાન જણાવ્યું હતું.
જોકે ત્યારબાદ મહેન્દ્ર પટેલે કેપિટલ મોર્ડન સ્કૂલની માધ્યમિક વિભાગની સ્કૂલ વિરૂધ્ધ અરજી કરી તેને બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ તેણે સંચાલકોનો સંપર્ક કરી હવે માધ્યમિક સ્કૂલ બાદ પ્રાથમિક સ્કૂલ પણ બંધ કરાવી દેવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. આથી સંચાલકોએ તેને કટકે કટકે 13.50 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ મહેન્દ્ર પટેલે માધ્યમિક સ્કૂલ ચાલુ કરાવી આપવામાં મદદ કરી હતી. સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનાર શિક્ષણ માફ્યિાનો પદાફશ થયો છે ત્યારે તેનો સૌથી મોટો સીસીટીવી સાથેનું સબૂત ભાવનગર જિલ્લાના સિહોરના મનહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત થયેલ છે. જેમાં આ શિક્ષણ માફ્યિા મહેન્દ્ર પટેલે અલગ અલગ 350 સ્કૂલ વિરુદ્ધ અરજીઓ કરી આરટીઆઈ કરીને સંચાલકો પાસેથી 25 લાખ રૂપિયાનો તોડ કરેલ છે.