ગુજરાતીઓ દિવાળી તથા નૂતન વર્ષની ઉજવણી કર્યા બાદ દિવાળી વેકેશનની રજા માણવા અનેક સ્થળોએ જતા હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ વધ્યો છે.અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજયમાંથી પર્યટકો પ્રવાસીઓની ભીડ જામી રહી છે. વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને પગલે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આવેલા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સેલ્ફી પોઇન્ટ અને સ્ટેચ્યુ અતિ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. વિશ્વમાં માત્ર આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ અને સિંહબાળ સાથેનું મોટું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગુજરાત સહિત દેશ-વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ એશિયાઇ સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લ્હાવો બસ સફારી કરીને માણ્યો છે.વર્ષ 2023-2024માં 62,451 પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. સફારી પાર્કમા પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા બે એ.સી અને ત્રણ નોન એ.સી. સહિત પાંચ બસ મુકવામાં આવી છે.એશિયાઇ સિંહનો આ વિસ્તારમાં સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃત્તિ વધતા સિંહોની વસતીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની વસતી વધીને 674 થઈ છે. ધારી ગળધરા ખોડીયાર મંદિર, ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે.380 હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલા આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.