ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત : 5 મુસાફરોના મોત

સવાર સવારમાં ઉત્તર પ્રદેશથી ખરાબ સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચેની ટક્કરથી ભીષણ માર્ગ અકસ્માત થયો છે, જેમાં 5 મુસાફરોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. યમુના એક્સપ્રેસવે નંબર 56 પર, એક ડબલ ડેકર ખાનગી બસ બિયરની બોટલોના ભંગારથી ભરેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. ટ્રક સાથે અથડાયા બાદ બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે.

મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી. અકસ્માત બાદ મૃતકોના મૃતદેહ બસની અંદર ફસાયેલા જોવા મળ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા લોકો જે અકસ્માત બાદ જીવિત હતા તેઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને બચાવીને જેવરની કૈલાશ હોસ્પિટલમાં લઈ ગઇ હતી. આ ઉપરાંત પાંચેય મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર ટપ્પલ પાસે રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી. બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી, જ્યારે ટ્રક દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. આ દરમિયાન બસની સ્પીડ વધુ હોવાને કારણે તે કાબૂ બહાર થઇ ગઈ હતી અને બીયરની ખાલી બોટલો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક બાજુથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર વાહનોનો લાંબો જામ થઈ ગયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક ક્રેઈન બોલાવી નુકસાન પામેલા વાહનોને રોડ પરથી હટાવ્યા હતા.અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે અને બાકીના મૃતકની ઓળખ હજી સુધી થઇ શકી નથી. અકસ્માતનો ભોગ બનેલી બસ ફૌબાદની ક્રિષ્ના ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે. અકસ્માતના કારણોની સપાસ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!