નોઈડા: યમુના એક્સપ્રેસવે પર ઝેવર કાર્ગો એરપોર્ટ નજીક ગુરુવારે મોડી રાત્રે દિલ્હીથી મહોબા જઈ રહેલી રાજ ટ્રાવેલ્સની સ્લીપર બસમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની સેકન્ડોમાં બસ આગના ગોળામાં ફેરવાઈ જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જીવ બચાવવા કેટલાક મુસાફરોએ બસની બારીઓમાંથી કૂદકો માર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાક મૃતદેહ બસની અંદર હોવાની આશંકા છે. બસમાં મુસાફરોની સંખ્યા અંગે અલગ-અલગ પ્રાથમિક વિગતો સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને વહેલી સવાર સુધી કુલિંગ તથા રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મુસાફરો તથા ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તથા મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.





