શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ઝડપભેર હકારાત્મક પ્રતિસાદ આપી કામરેજ તાલુકામાં રૂ.૫.૯૪ કરોડના રસ્તાના કાર્યોને મંજૂરી આપી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૨.૯૮ કરોડના ખર્ચે ૨.૫૦ કિમી લંબાઈના આસ્તા ગામથી સીમાડા કેનાલ રોડ અને રૂ.૨.૯૬ કરોડના ખર્ચે ૨.૫૦ કિમી લંબાઈના સેગવાથી આસ્તા કેનાલ રોડ પર માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળાકામ/સ્ટ્રક્ચર/પ્રોટેક્શન વર્ક/રબલ પિચીંગની કામગીરીને મંજૂરી આપી છે.
આમ, કુલ રૂ.૫.૯૪ કરોડના ખર્ચે થનાર આ કામગીરીને ઝડપભેર મંજૂર કરવા બદલ શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના નાગરિકો વતી રાજ્ય સરકાર તેમજ માર્ગ અને મકાન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને તાલુકાના ગામોમાં વિકાસકામોને વેગ આપી રાજ્ય સરકારે બહોળી જનસુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, ત્યારે વધુ બે વિકાસકાર્યોથી સ્થાનિક જનતાને વાહનવ્યવહાર અને આવાગમનમાં સરળતા થશે અને લોકસુવિધાઓમાં વધારો થશે..