રાંચી: JPSC અને JSSCની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને અનિયમિતતાઓના વિરોધમાં છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ સરકાર સામે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. ‘JPSC-JSSC રિફોર્મ મંચ’ના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી છે.
વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું છે કે 16 ઓગસ્ટે રાજ્યભરમાં મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવામાં આવશે, જ્યારે 20 ઓગસ્ટે હજારો વિદ્યાર્થીઓ રાંચીમાં મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરશે.
10 ઓગસ્ટે વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં લાઠીચાર્જ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ થયો હતો. આ કાર્યવાહીમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનો આંદોલનકારીઓનો દાવો છે. હવે વિદ્યાર્થીઓએ સરકાર પર માંગણીઓની અવગણના કરવાનો આક્ષેપ કરી આંદોલન તેજ કરવાની ચેતવણી આપી છે.





