ગાંધીનગરમાં યુવા પોલીસકર્મીનો આપઘાત, પારિવારિક તણાવની આશંકા

ગાંધીનગર: જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક યુવા પોલીસકર્મીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પારિવારિક પ્રશ્નો અને માનસિક તણાવના કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, મૃતક પોલીસકર્મી પર્વ ગોસ્વામી વર્ષ 2017માં પોલીસ દળમાં જોડાયા હતા. તેઓ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બાદમાં તેમની બદલી માણસા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી તેઓ માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા.મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી પર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી નજીક આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક નાનો પુત્ર છે. ઘટનાના દિવસે તેઓ રજા પર ઘરે હતા. સોમવારે રાત્રે તેમની પત્ની થોડા સમય માટે ઘર બહાર ગયા હતા. આ દરમિયાન પર્વ ગોસ્વામીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્ની ઘરે પરત ફરતાં ઘટનાની જાણ થઈ હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ અથવા માનસિક તણાવને કારણે આપઘાત કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના મોબાઇલ ફોનની વિગતો, પરિવારજનોના નિવેદનો તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.

error: Content is protected !!