નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને રાજ્યના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપવા માટે આગામી ત્રણ મહિનામાં યોગ્ય જમીન પસંદ કરી ફાળવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે જમીન શોધવા અંગેના અગાઉના વચગાળાના આદેશને પાછો ખેંચવાની રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે રાજ્ય સરકારે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમિલનાડુની ધરતી પર હિન્દી ભાષાને સંપૂર્ણપણે બાકાત રાખી શકાય નહીં અને ભાષા નીતિના મુદ્દે કેન્દ્ર સાથે સહકારી સંઘવાદની ભાવનાથી ચર્ચા થવી જોઈએ.
રાજ્ય સરકારે નવોદય વિદ્યાલયની નીતિ પોતાની ભાષા નીતિથી વિપરીત હોવાની દલીલ કરી હતી. જોકે, કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની નીતિનો સીધો ઇનકાર કરી શકે નહીં અને ચેન્નાઈ તથા દિલ્હી વચ્ચે સંવાદ જળવાઈ રહેવો જોઈએ.





