સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો પુત્ર મહિધરપુરા હીરાબજારમાં જે વેપારીને ત્યાં નોકરી કરતો હતો તે વેપારીએ હીરાના ધંધામાં તેજી આવી છે રોકાણ કરશો તો થોડા સમયમાં નફા સાથે પરત કરીશ કહી વિધવા પાસે રૂ.15 લાખ પડાવી વૃદ્ધા અને પુત્રને ઓફિસમાંથી ધક્કા મારી કાઢી મુક્યા હતા.મહિધરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી પૈસા પડાવનાર વેસુના વેપારીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠા લાખણીના વાસણા ગામના વતની અને સુરતમાં અડાજણ પન્ના ટાવર બિલ્ડીંગ નં.એ ફ્લેટ નં.201 માં રહેતા 70 વર્ષીય વિધવા મોધીબેન મફતલાલ મોરખીયાના પાંચ પુત્રો પૈકી હીરાદલાલીનું કામ કરતા પુત્ર અરવિંદભાઈ સાથે રહે છે.અરવિંદભાઈ અગાઉ મહિધરપુરા લાલજી મંદિર ખાતે ઓફિસ ઘરાવતા પરિચિત વેપારી વિશ્વેનભાઇ જીતુભાઇ જોગાણી રહે.સેવન હેવન બિલ્ડીંગ, વેસુ, સુરતને ત્યાં એસોર્ટર તરીકે નોકરી કરતા હોય તેમની સાથે પારિવારિક સંબંધ બંધાયા હતા.વર્ષ એપ્રિલ 2021 માં વિશ્વેનભાઇએ હાલ હીરાના ધધામાં તેજી આવી છે રોકાણ કરશો તો થોડા સમયમાં નફા સાથે પરત કરીશ તેમ કહેતા મોધીબેને ગામની મિલકત વેચતા આવેલા રૂ.15 લાખ તેમની ઓફિસે જઈને આપ્યા હતા.જોકે, બાદમાં વિશ્વેનભાઇએ પૈસા કે નફો નહીં આપી સમય પસાર કરી બાદમાં મોધીબેન અને પુત્ર અરવિંદભાઈને ઓફિસમાંથી ધક્કા મારી કાઢી મુક્યા હતા.આ અંગે વૃદ્ધાએ છેવટે ગત 15 જુલાઈના રોજ વેપારી વિશ્વેનભાઇ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.મહિધરપુરા પોલીસે વેપારી વિશ્વેનભાઇ જીતેન્દ્રભાઇ જોગાણી રહે.જી/101, માઇલ સ્ટોન સેવન હેવન સોસાયટી, વેસુ, સુરત. મુળ રહે.પથ્થર સડક, ધાનેરા, જી.બનાસકાંઠાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.