ગેમઝોનની મંજૂરી અંગે સુરત પોલીસને 17 અરજીઓ મળી, 11 ગેમ ઝોનને મંજૂરી

રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમઝોન પર તવાઈ બોલાવવામાં આવી હતી, ગેમઝોનની દુર્ઘટના બાદ છેલ્લા પાંચ મહિનાથી બંધ રહ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા શહેરના 11 ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે તમામ ગેમઝોન બંધ કરવાનો હૂકમ ફરમાવ્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું છે કે “ગેમઝોનને મંજૂરી આપતા પૂર્વે થોડા દિવસો પહેલા જ 17 જેટલા સરકારી વિભાગો અને નિષ્ણાતોએ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં શહેર પોલીસ, SMC, R&B વિભાગ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, ફાયર, ઔદ્યોગિક સલામતી, પાણી પુરવઠાના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ ઉપરાંત નિષ્ણાતોએ તમામ નિયમોના પાલનની ખાતરી કર્યા બાદ લાયસન્સ આપવામાં આવ્યું છે.

વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેમઝોનની મંજૂરી અંગે સુરત પોલીસને 17 અરજીઓ મળી છે અને તેમાંથી છ હજુ ક્લિયર થવાની બાકી છે. મંજૂરી પહેલા તમામ વિભાગોએ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે. ગેમઝોનમાં ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની ઉપલબ્ધ સુવિધાઓનું મોક ડ્રીલ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગેમઝોનને મંજૂરી અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. નવા નિયમો અનુસાર, ગેમ ઝોને તેની ક્ષમતા અને તેમના લાયસન્સની માન્યતા મુલાકાતીઓને દેખાઈ તે રીતે મોટા બોર્ડ પર દર્શાવવાની રહેશે. તમામ ગેમ ઝોને તેના સ્ટાફને તાલીમ આપવા ઉપરાંત ફાયર, સેફ્ટી અને ઈલેક્ટ્રીકલ-સંબંધિત સ્ટાફને સ્થળ પર નિયુક્ત કરવાનો રહેશે, કારણ કે તેમણે કટોકટીની સ્થિતિમાં મુલાકાતીઓના બચાવની જવાબદારી તેમના શિરે હોય છે.

error: Content is protected !!