વ્યારાનાં ઉંચામાળા ગામનાં અણુમાલા ટાઉનશીપ ખાતેનાં બંધ ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમે ઘરનાં મુખ્ય દરવાજાનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અથવા અન્ય કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી કરી સોનું, ચાંદી અને રોકડા રૂપિયા મળી કુલ 4.32 લાખથી વધુની ચોરી કરી ફરાર થયાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં અણુમાલા ટાઉનશીપમાં મકાન નંબર D-56/02માં રહેતા નિલેશભાઈ સોપાનરાવ ચિમુરકર (મૂળ રહે.જાનકીનગર, જબલપુર, તા.જિ.જબલપુર, મધ્યપ્રદેશ)નાંઓ અણુમાલા પ્લાન્ટમાં ઓપરેશન સેક્શનમાં આસીસ્ટન સિફ્ટ ચાર્જ એન્જીનીયર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે નિલેશભાઈ પોતાનું નાનું મોટું કામ પતાવી પોતાના પરિવારને મળવા માટે સુરત ગયા હતા અને ત્યાં જ રાત્રી રોકાય ગયા હતા. તે દરમિયાન તારીખ 10/05/2024નાં રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમનાં બંધ ઘરનાં મુખ્ય દરવાજાનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અથવા અન્ય કોઈ સાધન વડે ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરનાં અંદરના બેડરૂમમાં મુકેલ પતરાના કબાટોનાં ઉપરના ભાગેથી કોઈ સાધન વડે ખોલી તેમજ કબાટનું લોકર તોડી તેમાં રાખેલ સોનાના અલગ-અલગ દાગીના જેમાં સોનાના ટુકડા નંગ-3, સોનાની કાનની બુટ્ટી નંગ-5, સોનાની ચેઈન નંગ-4, સોનાની વીંટી નંગ-3, સોનાના મંગળસૂત્ર નંગ-3, ચાંદીના લોટા નંગ-2 અને ચાંદીના ગ્લાસ નંગ-4 સોનું-ચાંદી મળી જેની કિંમત રૂપિયા 4,26,250/- તથા જેન્ટ્સ પર્સ તથા તેમાં મુકેલ SBI બેંકનો ATM કાર્ડ, યુનિયનનો બેંક ATM કાર્ડ અને HDFC બેંકનો ATM કાર્ડ તેમજ રોકડા રૂપિયા આશરે 6,000/- મળી કુલ રૂપિયા 4,32,250/-ની ચોરી થઈ હતી. બનાવ અંગે નિલેશભાઈ ચિમુરકર નાંઓએ તારીખ 11/05/2024નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.