વ્યારાનાં મગરકુઈ ગામે આવેલ માં કામલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગ કોર્ષના નામે વિદ્યાર્થિનીઓના ભાવિ સાથે ચેંડા કરી નાણાં ખંખેરી લીધા હોવાની ફરિયાદ ઉઠી હતી. જે પ્રકરણમાં આખરે વ્યારા પોલીસ મથકે માં કામલ ફાઉન્ડેશનના સંચાલક સામે ગુનો નોંધાયો છે. સંસ્થાએ રૂપિયા ૧,૮૦,૦૦૦ જેટલી રકમ પડાવી લેવા સાથે ઓરિજનલ ડોક્યુમેન્ટ પણ વિદ્યાર્થિનીઓ પાસેથી લઇ લીધા હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. તાપી જિલ્લામાં વિદ્યાર્થિનીઓએ પણ નર્સિંગ કોર્ષ માટે નાણાં સાથે પોતાના કારકીર્દીના વર્ષો પણ બગાડ્યા હોવાનો નિસાસો નાંખી રહ્યા છે. માં કામલ ફાઉન્ડેશન દ્વારા બોગસ કોચીંગ કલાસ ચલાવતા હોવાના કિસ્સાએ જિલ્લામાં ખળભળાટ મચાવ્યો હતો.
આ અંગે સોનગઢ તાલુકાના પોખરણ ગામની વિદ્યાર્થિની પ્રિતીબેન જીવલાભાઈ ગામીતએ માં કામલ ફાઉન્ડેશનના સંચાલક ડો.અનિલકેસર ગોહીલે ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર નર્સિંગ કોચીંગ સંસ્થાના નામે જી.એન.એમ. કોર્ષ ચલાવી, પેમ્પેલેટમાં ૫૦૦થી વધારે હોસ્પિટલમાં સંસ્થાનું પ્રેકટીકલ તાલીમ જોડાણ છે તેવી લોભામણી જાહેરાત આપી હતી. આ રીતે લલચાવી તેમજ ગોલ્ડન સ્કુલ ઓફ નર્સિંગ દોડડાકરી, બેથ મંગલા, તા.બનગરપેટ, જિ.કોલાર(કર્ણાટક) હયાત ન હોય તેમ છતાં તેમના નામનું આઇ.ડી. કાર્ડ બનાવી તેમનો ઉપયોગ પરીક્ષા આપવા માટે કરાવી તેમજ ત્રણ વર્ષના અભ્યાસ ફ્રી નાં રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા પ્રેકટીકલ પરીક્ષા આપવા માટે રૂપિયા ૮,૦૦૦ તથા પરીક્ષા આપવા માટે લઇ જતી વખતે રહેવા તથા જમવાના રૂપિયા ૨૨,૦૦૦ એમ મળી કુલ રૂપિયા ૧,૮૦,૦૦૦ લઇ લીધા હતા તેમજ કોર્ષ પુર્ણ નહીં કરાવી તથા ધોરણ ૧૦ અને ૧૨નાં અસલ માર્કશીટ, સ્કુલ છોડયા અંગેનું અસલ સર્ટી જમા લઈ વિદ્યાર્થીનીઓ સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.