વાલોડ તાલુકાની એક શાળાના શિક્ષક દ્વારા છેડતી કરતી હોવાની ફરિયાદ સગીર વિદ્યાર્થિનીએ કરતા આચાર્ય દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં વધુ ૧૦ જેટલી સગીર વિદ્યાર્થિનીઓ સાથે પણ આ લંપટ શિક્ષક દ્વારા ગંદી હરકત કરાઈ હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જોકે શાળાના આચાર્ય વિદ્યાર્થીનીઓને લઈ વાલોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાની એક શાળાના શિક્ષક વિજય ચૌધરી સામે વિદ્યાર્થિનીઓની છેડતી કરતી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેમાં લંપટ વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને પેજ ફેરવવાનું કહી વિદ્યાર્થીનીઓ ના હાથને સ્પર્શ કરતો હતો. અહીંથી એ ન અટકતા તે પેન કે ડસ્ટર નીચે ફેંકી વિદ્યાર્થીનીઓ ને ઉચકવા કહી છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો. અને શાળાના દાદર પર વિદ્યાર્થીનીઓ ના સામે ઊભા રહી રસ્તો રોકવાનો પ્રયાસ કરતો હતો. વાલોડ તાલુકાના આ વિકૃત માનસિકતા ધરાવતા આ શિક્ષક દ્વારા આવી ગંદી હરકત એક નહિ પણ ઘણી બધી સગીર વિદ્યાર્થીનીઓ સાથે કર્યું હોવાની વિગતો સામે આવતા વાલોડ પોલીસે આ વિકૃત વિજય ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઈ. એમ. એમ. ગીલાતર કરી રહ્યા છે