મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા પ્રજાસત્તાકના પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીશ્રીએ ૨૦ વિકાસ કામોના લોકાર્પણ અને ૪૧ કામોના ખાતમુહૂર્ત વ્યારામાં ૭૬માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કર્યા હતા. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા ૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન પણ આ અવસરે કર્યું હતું.
તાપી જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨.૫ કરોડ જિલ્લા કલેકટરને અને ૨.૫ કરોડ રૂા ના ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યા હતા.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે. ભારત દેશે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ સંવિધાનને અપનાવ્યું, જે વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ છે. આજે દેશમાં પ્રત્યેક નાગરિકો બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે.
રાજ્યપાલશ્રીએ ભારત વિકાસના માર્ગે અગ્રેસર થઈ ચૂક્યો છે એમ કહીને જન પ્રતિનિધિઓ, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં યોગદાન આપનારા નાગરિકો, મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો અને દેશની સુરક્ષામાં રાત-દિવસ ખડેપગે સેવા બજવતા સાહસી યોદ્ધાઓને વંદન સહ બિરદાવ્યા હતા.આ અવસરે શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આઝાદીના જંગમાં હજારો વીરોએ બલિદાનો આપ્યા છે, ત્યારે મહામૂલી આઝાદી મળી છે. સુરત જિલ્લાથી ૧૭ વર્ષ પહેલાં અલગ થયેલો તાપી જિલ્લો આજે સૌના પરિશ્રમના પરિણામે નવી ઓળખ બનાવી આગળ વધી રહ્યો છે. વનોમાં રહેનારા આદિજાતિના લોકો ખેતી,પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવાની ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા.તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યવીર અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને દેશમાં જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી છે.આ વર્ષે બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિનું વર્ષ છે, તેનું સ્મરણ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાને વંદન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવીને સર્વગ્રાહી ઉત્કર્ષનો જે નિર્ધાર કર્યો છે તેને રાજ્ય સરકારે આયોજનબધ્ધરીતે આગળ ધપાવ્યો છે.શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય પર્વોની જિલ્લાઓમાં જન ભાગીદારીથી ઉજવણી દ્વારા વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીએ વેગવાન બનાવી છે. એટલું જ નહીં, ઉમરગામથી અંબાજીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં સમૃદ્ધિ, રોજગારી અને સુવિધા- સુખાકારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે તેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસી બાંધવોએ દેશના આઝાદી સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું છે તેનું સ્મરણ કરતા તાપી જિલ્લાના સ્વાતંત્ર્ય વીરોની વંદના કરી હતી.તેમણે તાપી જિલ્લાને પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મળેલા વિકાસ કામોથી આરોગ્ય,શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પાણી રમત-ગમતને પ્રોત્સાહન તથા મત્સ્યોદ્યોગ વિકાસને વેગ સહિત સર્વગ્રાહી વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા ૭૬મા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ સૌને એક બનીને ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી…પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં તાપી જિલ્લાને કુદરતે આપેલા અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો, જિલ્લાનો સૂવર્ણ ઇતિહાસ, જિલ્લાના સાત રત્નો સમાન સાત તાલુકાઓની માહિતીસભર જાણકારી તેમજ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો શ્રેષ્ઠ પરિચયનો સમાવેશ થયો છે.
આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેષ ઉપાધ્યાય, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, તાપી જિલ્લા તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી (સામાન્ય વહીવટ વિભાગ) શ્રી કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એ.કે. શર્મા, રાજભવનના અગ્ર સચિવશ્રી અશોક શર્મા, જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, નાગરિકો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.