નિઝરના રાયગઢ ગામની સીમમાં બે ટેમ્પો વચ્ચેની ટક્કરમાં બારમાની વિધિમાંથી પરત આવતા પરિવારના પાંચ જેટલા વ્યક્તિઓને વત્તી-ઓછી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના નંદુરબારના ધાનોરા ગામના રહીશ યોગેશભાઈ વસંતભાઈ વળવી ગત તારીખ ૨૫મી માર્ચ ના રોજ પોતાનો ટેમ્પો લઈને નિઝર તાલુકાના ખેરવા ગામે સબંધીને ત્યાં બારમાંની વિધિમાં હાજરી આપવા માટે પોતાની માતા તથા અન્ય કુટુંબીજનોને લઇને ગયા હતા, ત્યાંથી રાત્રે પરત ફરતી વખતે નિઝર તાલુકાના રાયગઢ ગામની સીમમાં બોલેરો પીકઅપ ટેમ્પો તેમનો ટેમ્પો સાથે ભટકાયો હતો. અકસ્માતમાં મહારાષ્ટ્ર પાર્સિંગના ટેમ્પોમાં બેસેલા યોગેશભાઇ વળવી, સુમાબેન વસંતભાઇ વળવી, લીલાબેન કુમળીયાભાઈ વળવી, સોબીયાભાઈ વળવી તથા બેબીબેન વળવીને વત્તી-ઓછી ઇજા સાથે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ તેમજ નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તારીખ ૨૬મી માર્ચે યોગેશભાઈએ મધ્યપ્રદેશ પાર્સિંગના ટેમ્પોચાલક સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.