કેનેડાના ટોરન્ટોમાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં કારમાં સવાર 4 ભારતીયોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માત ચેરી સ્ટ્રીટ પાસે લેક શોક બુલેવાર્ડ પાસે સર્જાયો હતો. કારમાં બે યુવતી અને ત્રણ યુવક સવાર હતા. તેઓ ડીનર કરીને બ્રામ્પટન પરત ફરતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બે લોકોની ઓળખ થઈ છે. મૃતકો ગુજરાતના ગોધરાના રહેવાસી કેટબા ગોહિલ (ઉ.વ.30) અને નિર્લજ ગોહિલ (ઉ.વ.26) તરીકે થઈ છે. બંને ભાઈ-બહેન હતા.રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટના બની ત્યારે કાર ફૂલ સ્પીડમાં જતી હતી. ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પછી કોંક્રિટના થાભલા સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી. અકસ્માતની જાણ થયા બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચી હતી. આગ કાબુમાં આવ્યા બાદ તેમાંથી 4 લોકોના મૃતહેદ મળ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, કારને સળગતી જોઈ એક વ્યક્તિ મદદ માટે આગળ આવ્યો હતો અને તેણે સળગતી કારમાંથી એક 20 વર્ષીય યુવતીને બહાર કાઢી હતી. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આગની તીવ્રતા નિશ્ચિત રીતે સીધી જ ટેસ્લાના બેટરી સેલ સાથે જોડાયેલી છે. મામલાની તપાસ થઈ રહી છે.