થાણે: શહેરના મહાગિરિ વિસ્તારમાં કોર્ટના આદેશ મુજબ ફ્લેટનો કબજો લેવા ગયેલા મહિલા કોર્ટ કમિશનર અને પોલીસ ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લોન ન ભરવા બદલ કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસે 85 વર્ષીય વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી ચંદ્રકાંત વિષ્ણુ જાધવ (49) એ એક ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી, જેની ભરપાઈ ન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. થાણે ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશને પગલે શનિવારે બપોરે મહિલા કોર્ટ કમિશનર, ફાઇનાન્સ કંપનીના કાનૂની મેનેજરો અને પોલીસ કાફલા સાથે મહાગિરિ વિસ્તારમાં આવેલા જાધવના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટનો કબજો લેવા પહોંચ્યા હતા.જ્યારે કોર્ટ કમિશનર કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી રહ્યા હતા, ત્યારે ચંદ્રકાંત જાધવ અને તેમના પરિવારજનોએ તેનો સખત વિરોધ કર્યો હતો.
આ વિવાદ વધતા જાધવના પરિવારના સભ્યો અને તેમના વકીલે સરકારી કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો અને મહિલા અધિકારી પર હુમલો કર્યો હતો. ઘટના બાદ કોર્ટ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે (1) ચંદ્રકાંત વિષ્ણુ જાધવ (લોન લેનાર) (2) પલ્લવી જાધવ (પત્ની) (3) વિષ્ણુ સહાદુ જાધવ (85 વર્ષીય પિતા) (4) અશ્વિની ભોસલે (વકીલ) (5) વકીલનો પુત્ર, મળી આ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (પીટીઆઇ)





