થાણે જિલ્લામાં ગરીબ મહિલાઓને ટાર્ગેટ બનાવી ચાલતા રાજ્યવ્યાપી ‘એગ ડોનેશન’ રેકેટમાં પોલીસે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જળગાંવથી સતીષ ચૌધરી નામના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી છે. સતીષ પર આર્થિક રીતે નબળી મહિલાઓના બનાવટી દસ્તાવેજો બનાવી આપવાનો આરોપ છે, જેથી તેમની સાચી ઓળખ છુપાવી શકાય. આ સાથે જ આ રેકેટમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 7 થઈ ગઈ છે.
પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં જ નાશિકના એક ડેન્ટિસ્ટ ડૉ. અમોલ પાટીલની ધરપકડ કરી હતી. ડૉ. પાટીલ નાશિકમાં ‘મલ્ટિ આઇવીએફ સેન્ટર’ ચલાવતો હતો, જ્યાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બદલાપુરની એક મહિલાએ ફરિયાદ કરી કે તેને એગ ડોનેટ કરવા બદલ વચન મુજબના નાણાં આપવામાં આવ્યા નથી. ફરિયાદ બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર સુલક્ષણા ગાડેકરના નિવાસે દરોડા પાડ્યા હતા, જ્યાંથી હોર્મોનલ ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે જપ્ત કરેલા મોબાઈલ ડેટાના વિશ્લેષણ પરથી ચોંકાવનારી વિગતો સામે આવી છે,ગરીબ અને નિર્બળ મહિલાઓને લાલચ આપી મનાવવામાં આવતી હતી.
મહિલાઓને એક સર્કલ દીઠ રૂપિયા 25,000 થી રૂપિયા 30,000 ચૂકવવામાં આવતા હતા. મહિલાઓનો વારંવાર ઉપયોગ કરી સર્જરી દ્વારા એગ્સ કાઢી લેવામાં આવતા હતા. આ એગ્સને આઇવીએફ સેન્ટરો દ્વારા લાખો રૂપિયામાં વેચવામાં આવતા હતા.આ તપાસના ભાગરૂપે ઉલ્હાસનગરની ‘ભગવાન હોસ્પિટલ’ના સોનોગ્રાફી સેન્ટરને પણ પાલિકાના કર્મચારીઓએ સીલ કરી દીધું છે. આ સેન્ટર પર નિયમોનું ઉલ્લંઘન કરી અશિક્ષિત લોકોને સ્કેન કરવાની મંજૂરી આપવાનો આરોપ છે. અગાઉ આ જ હોસ્પિટલની એક નર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.





