થાણે: ૨૦૧૫ના માર્ગ અકસ્માતમાં વેપારીના પરિવારને ૨૪.૪૯ લાખનું વળતર ચૂકવવા આદેશ

થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (MACT) વર્ષ ૨૦૧૫માં થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા વેપારીના પરિવારની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે મૃતક વેપારીના પરિવારને ૨૪.૪૯ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતે દ્વારા ૨૫ ફેબ્રુઆરીએ આપવામાં આવેલા આ આદેશની નકલ તાજેતરમાં પ્રાપ્ત થઈ હતી.

ડ્રાઈવરની બેદરકારીને કારણે જીવ ગુમાવનાર આયુર્વેદિક દવાના વેપારીના પરિવારને ન્યાય : ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે

૨૧ જૂન, ૨૦૧૫ના રોજ આયુર્વેદિક દવાઓનો વેપાર કરતા ૪૭ વર્ષીય રામધર ગિરિજા શર્મા ભાયંદર પૂર્વ વિસ્તારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી મારુતિ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રામધર શર્માનું મૃત્યુ નીપજ્યું હતું. સ્થાનિક પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ટ્રિબ્યુનલનું અવલોકન કેસની સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે,અકસ્માત ડ્રાઈવર દ્વારા ‘પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક’ વાહન હંકારવાને કારણે થયો હતો.

મૃતકની આવકના પુરાવા તરીકે રજૂ કરાયેલા ઇન્કમ ટેક્સ રિટર્ન મુજબ, તેમની વાર્ષિક આવક ૨.૧૮ લાખ રૂપિયા હતી. તમામ પાસાઓની ચકાસણી બાદ ટ્રિબ્યુનલે કુલ ૨૪,૪૯,૦૦૦ રૂપિયાનું વળતર નક્કી કર્યું છે. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, અરજી કર્યાની તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે આ રકમ ચૂકવવાની રહેશે. કારના ડ્રાઈવર અને માલિકે સંયુક્ત રીતે અથવા અલગ-અલગ રીતે આ રકમ એક મહિનાની અંદર પરિવારને સોંપવાની રહેશે.

error: Content is protected !!