નવીદિલ્હી : AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં હંગામો થઈ ગયો. શપથ લીધા બાદ ઓવૈસીએ એવા નારા લગાવ્યા કે તેને લઈને સભ્યોએ નારાજગી વ્યક્ત કરી. ઓવૈસીએ શપથ લીધા બાદ જય ભીમ, જય તેલંગણાના નારા લગાવ્યા અને ત્યારબાદ જય ફિલિસ્તિન (જય પેલેસ્ટાઈન)ના નારા લગાવ્યા બાદ અલ્લાહ ઓ અકબરનો નારો પણ લગાવી લીધો. બેરિસ્ટર ઓવૈસીએ કહ્યું કે ‘જય ભીમ…જય મીમ…જય તેલંગણા…જય ફિલિસ્તિન…તકબીર, અલ્લાહ ઓ અકબર’. ઓવૈસીના નારા પર ભાજપના અનેક સાંસદોએ આપત્તિ જતાવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભાજપે એમ પણ કહ્યું કે ઓવૈસી જેવા લોકો ભારતમાં રહીને ભારત માતા કી જય નથી બોલતા. ભાજપ વિધાયક રાજા સિંહે ઓવૈસીના નારા પર નિવેદન આપતા કહ્યું કે પેલેસ્ટાઈનથી એટલો જ પ્રેમ હોય તો તેઓ ત્યાં જતા રહે. રાજાએ ઓવૈસી પર પલટવાર કરતા એમ પણ કહ્યું કે, બંદૂક ઉઠાવીને પેલેસ્ટાઈન જતા રહો. વિવાદ વધતા ઓવૈસીએ પણ સ્પષ્ટતા કરતા રહ્યું કે જે કહ્યું બધાની સામે કહ્યું છે. બધા બોલી રહ્યા છે શું બોલીએ? અમે શું બોલ્યા…જય ભીમ, જય મીમ, જય તેલંગણા, જય ફિલિસ્તિન. કેવી રીતે વિરુદ્ધમાં છીએ જણાવો. આ મામલે પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીએ કોઈ આપત્તિજનક વાત કરી હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડથી હટાવી દેવાશે.
શું કહે છે નિયમ? જે નિયમના હવાલાથી બેરિસ્ટર ઓવૈસી સાહેબનું સંસદસભ્ય પદ જવાની વાતો થઈ રહી છે તે પહેલા જાણીએ કે સરકારનું આ મામલે શું કહેવું છે. ભાજપના નેતા જી કિશન રેડ્ડીએ કહ્યું કે જે જય ફિલિસ્તિનનું સ્લોગન આપ્યું છે તે બિલકુલ ખોટું છે, આ સંસદના નિયમો મુજબ જે સ્લોગન અપાયું છે તે બિલકુલ નિયમોની વિરુદ્ધમાં છે. વડીલોએ કહ્યું છે કે જીભનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો જોઈએ. સામાન્ય માણસ હોય કે માનનીય જનપ્રતિનિધિ બધા પાસેથી અપેક્ષા રખાય છે કે તેઓ એવુ બોલે જેનાથી જનતાનું ભલું થાય, એવું ન બોલે જેનાથી સમાજના કોઈ વર્ગ કે વ્યક્તિ વિશેષની ભાવનાને ઠેસ પહોંચે કે આસ્થા પ્રભાવિત થાય. એક લોકપ્રિય કહેવત છે કે તોલ મોલ કે બોલ….એટલે કે જે પણ બોલો તે સમજી વિચારીને બોલો. તેના પરિણામો વિશે વિચારીને બોલો. પણ જ્યારે ઓવૈસી જેા કાયદાના જાણકાર વ્યક્તિ કે જે વાત વાતમાં સંવિધાનની દુહાઈ આપે છે તેઓને શું આ નિયમ ખબર નહતી? જેના કારણે તેમને મુસીબત આવી શકે. વાત જાણે એમ છે કે સંસદના નિયમો મુજબ કોઈ પણ સદનના સભ્યને કોઈ વિદેશી રાજ્ય (દેશ) પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરવા પર, તેમની લોકસભા કે કોઈ પણ સદનની સદસ્યતાથી અયોગ્ય ઠેરાવી શકાય છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ કા તો તેમને ફરીથી શપથ લેવાનું કહી શકાય અથવા તો અયોગ્ય જાહેર કરી શકાય. કાયદાના જાણકારોનું કહેવું છે કે ઓવૈસીની વાતો નિયમો વિરુદ્ધ છે. તેઓ પોતાની જનસભામાં કોઈ ભાષણ નહતા આપતા પરંતુ સંસદમાં બોલતા હતા.
ભારતના બંધારણની કલમ 102 અને 103ના સંદર્ભમાં ઓવૈસી વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ એક ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં તેમને સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરવાની માંગણી કરાઈ છે. હવે સાંસદ તરીકે ચૂટાઈ આવવા માટે સૌથી પહેલો નિયમ એ છે કે તમે ભારતના નાગરિક હોવા જરૂરી છે. આ સાથે જ શપથમાં પણ એ વાત સ્પષ્ટ છે કે સાંસદ તરીકે વ્યક્તિ વિધિ દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખશે. આવામાં સંસદમાં શપથ લેતી વખતે એક બીજા દેશના પક્ષમાં ારા લગાવવા જે સંસદના નિયમોનો ભંગ હોઈ શકે છે. હાલના નિયમો મુજબ અસદુદ્દીન ઓવૈસીને કોઈ બીજા દેશ અર્થાત પેલેસ્ટાઈન પ્રત્યે નિષ્ઠા દેખાડવા પર તેમની લોકસભા સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરવામાં આવી શકે.
શું કહે છે નિયમ? જે વિષે જણાવીએ, – ભારતીય બંધારણની કલમ 102 હેઠળ સાસંદની અયોગ્યતા અંગે જોગવાઈ છે. જો કોઈ સાંસદ ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકારના લાભના પદ બિરાજમાન મળી આવે તો સંસદમાં તેમની સદસ્યતાને અયોગ્ય જાહેર કરી શકાય છે. – જો તે દેવાળિયા તરીકે જાહેર થાય (એવી વ્યક્તિ જે પોતાનું કરજ ચૂકવી શકતા નથી અને જ્યાં સુધી તે એ સ્થિતિમાં રહે તેને દેવાળિયો ગણવામાં આવે). – જો તે ભારતનો નાગરિક ન હોય, કે તેણે સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા લીધી હોય કે પછી કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા કે લગાવ ધરાવતા હોય. – જો તે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈ કાયદા હેઠળ અયોગ્ય જાહેર થાય. અહીં સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિ ભારત સિવાય કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા રાખે તો તેને સંસદની સદસ્યતાથી અયોગ્ય જાહેર કરી શકાય.