જુનાગઢ : જૂનાગઢના ઓઝત – 2 ડેમમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે સિંહનું મૃત્યુ થયું હોવાની આશંકા વર્તાઈ રહીં છે. હાલ મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલાયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, શોર્ટ આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે જેના લીધે જૂનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વનવિભાગનું આરોપીને પકડવા સંયુક્ત કોમ્બીગ શરૂ થઈ ગયું છે.
નોંધનીય છે કે, વિસાવદરના ઘંટીયાણ અને થુબાળાની સીમમાં તપાસ ચાલી રહી છે. આ સાથે નાની મોણપરીના યુવાન ખેડૂત મોહનીશ રવૈયાની શંકાનાં આધારે ધરપકડ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વનવિભાગે કોર્ટમાં રજૂ કરતા વિસાવદર કોર્ટ યુવાનના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મોહનીશ રવૈયાની ઘંટીયાણની સીમમાં ડેમના કાંઠે જમીન આવેલી છે. જમીનના શેઢા પરથી સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન પણ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, અન્ય સ્થળે શોર્ટ આપી સિંહની હત્યા કરી મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની આશંકા છે. હજુ મુખ્ય આરોપી સહિતનાઓને પકડવા વનવિભાગે ક્વાયત હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિંહનાં શંકાસ્પદ મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. નોંધનીય છે કે, એશિયામાં અત્યારે સૌથી વધારે સિંહોની સંખ્યા ગુજરાત રાજ્યમાં આવેલી છે.