મગફળી ભરેલા ટેમ્પોમાંથી દારૂ લઇ જવાનો ખેલ ખતમ

વડોદરા : નજીક વેમાલી પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જુનાગઢ લઈ જવાતો રૂ. 9 લાખથી વધુનો દારૂનો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ડ્રાઇવરની કેબીનમાં ચોરખાનુ બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે મંજુસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે વેમાલી ગામ પાસે ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ કન્ટેનર ઉભું છે. તેમાં દારુનો જથ્થો છે. જે બાદ તાત્કાલીક પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને કન્ટેનરના ચાલકને શોધીને, તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, કન્ટેનરની પ્રાથમિક તપાસ કરતા મગફળી ભરેલ ગુણો મળી આવી હતી. પોલીસ દ્વારા મગફળી ભરેલ 350 જેટલી ગુણો હટાવવા છતાં દારૂનો મળી આવ્યો ન્હતો. તેવામાં પોલીસે કન્ટેનર ચાલકના કેબિનમાં તપાસ શરૂ કરી હતી. તેમાં પણ શરૂઆતની તપાસમાં પોલીસને કન્ટેનરમાંથી પણ કોઈ ચોરખાનું મળી આવ્યું ન્હતું. એક તબક્કે પોલીસને ખોટી બાતમી મળી હોવાનું લાગ્યું હતું.

તો બીજી તરફ પોલીસને મજબૂત શંકા હતી કે, કન્ટેનરમાં દારૂનો જથ્થો છુપાયેલો છે. જેથી પોલીસે સતત દોઢ કલાક જેટલા સમય સુધી કન્ટેનર ચાલકના કેબીનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનર ચાલકની ઉપરના ભાગમાં એક કબાટ જેવું મળી આવ્યું હતું. જે કબાટ ખોલતા તેમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસને આ ચોરખાનામાંથી 2,280 નંગ દારૂની બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ 9.12 લાખની કિમતનો દારૂ, કન્ટેનરમાં ભરેલ રૂ. 9.78 લાખ ની કિમતની આશરે 20 ક્વિન્ટલ મગફળી, તેમજ કન્ટેનર મળી કુલ રૂ. 28.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાર્યવાહીમાં દારુનો જથ્થો લઈને વડોદરા સુધી પહોંચેલા કન્ટેનર ચાલક અર્જુન બંસીલાલ નટ ( રહે. નાપવાલ, જિલ્લો ચિત્તોડગઢ, રાજસ્થાન ) અને ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ રાજપુત ( રહે. ભીલવાડા, રાજસ્થાન ) ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લવાયો હોવાનું અને જુનાગઢ પહોંચતો કરવાનો હોવાનું બહાર આવ્યું છે.

મોડી રાત્રે વેમાલી ગામ પાસેથી મંજુસર પોલીસે રૂપિયા 9.12 લાખનો દારૂનો જથ્થો, રૂપિયા 9,78, 696 ની કિંમતનો મગફળીનો જથ્થો તેમજ કન્ટેનર મળીને રૂપિયા 28,94,196 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ. વિરુદ્ધ મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!