ઉત્તરાખંડના ચારધામોમાંના એક ગંગોત્રી ધામના દરવાજા આજથી શીત કાળ માટે બંધ થઇ જશે. ગંગોત્રી પંચ મંદિર સમિતિએ દરવાજા બંધ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગંગોત્રી ધામ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. શુભ મુહૂર્ત મુજબ આજે અભિજીત મુહૂર્તમાં ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.14 કલાકે બંધ કરવામાં આવશે.
દરવાજા બંધ થયા બાદ માતા ગંગાના દર્શન મુખબા સ્થિત ગંગા મંદિરમાં થશે. એવી જ રીતે ભાઇબીજાના પર્વના દિવસે યમુનોત્રી ધામના દરવાજા રવિવારે બપોરે 12.05 કલાકે બંધ કરવામાં આવશે. યમુનોત્રી ધામ બંધ થયા બાદ માતા યમુનાની ઉત્સવની મૂર્તિ ખરસાલી ગામે જવા રવાના થશે. શિયાળાની ઋતુમાં યમુનાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ મા યમુનાના દર્શન અને પૂજા કરી શકશે. બંને ધામોની સાથે શિયાળાના વિરામ ધામને પણ ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. ચારધામ યાત્રાના અંતિમ તબક્કાની આ પરંપરા હિમાલયના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.અહેવાલો અનુસાર અહી ચારધામ યાત્રાના સમયગાળા દરમિયાન શુક્રવાર સાંજ સુધીમાં 15 લાખ 21 હજાર 752 યાત્રિકો બંને ધામોમાં પધાર્યા છે જેમાંથી યમુનોત્રી ધામમાં આવનારા યાત્રીઓની સંખ્યા 7.10 લાખ અને ગંગોત્રી ધામમાં આવનાર યાત્રીઓની સંખ્યા 8.11 લાખ છે. આ વર્ષે ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ હતી. આ દિવસે ગંગોત્રી, યમુનોત્રી ધામ અને કેદારનાથ ધામના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા.