મામલો ગરમ છે ! સરકારે આ કારણે કર્યા આચાર્યને સસ્પેન્ડ

અગાઉ ગુજરાતના ખેડા જિલ્લાના એક મહિલા શિક્ષિકા અમેરિકા વસી ગયા હોવાનો અને પોતાનો પગાર લેવા આવી જતા હોવાના કિસ્સાએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ આવા ઘોસ્ટ ટીચર્સ મામલે સતર્ક બનેલી રાજ્ય સરકારે તપાસ કરતા ઘણા શિક્ષકો આ રીતે સરકારી પગાર લેતા અને ફરજ પર ન આવતા ઝડપાયા હતા. આવા જ એક કેસમાં શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે અને સુરતના એક શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.

સરકારે આ કારણે કર્યા આચાર્યને સસ્પેન્ડ : રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ૩ મહિના કે ૬ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા છે.

અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી અવારનવાર માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે. રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર ૨ શિક્ષકોની વિગતો મળી છે. પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે. જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે.

પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહિ કરી શકાય. આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પણ પરત લેવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ દરમિયાન આવા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય ૬૦ જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને તેમને પગાર આપવામાં આવ્યો નથી, તેમ પણ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ હતું.

error: Content is protected !!