નેશનલ હાઈવે પર કેમિકલ ચોરીના રેકેટનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: વધુ ૨૮૦ લીટર કેમિકલ જથ્થો જપ્ત

નેશનલ હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી કીમતી કેમિકલની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર જગદીશચંદ્ર ભુરાલાલ ખટીક (ઉં.વ.૪૬, રહે. પાલોદ, મૂળ રાજસ્થાન) ને સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછપરછ કરાતા તેના અન્ય એક નેટવર્કનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જગદીશચંદ્રે પીપોદરા ગામની હદમાં આવેલા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની દુકાન (ગોડાઉન) માં ચોરીનું કેમિકલ છુપાવી રાખ્યું હતું. પોલીસે આ સ્થળે દરોડો પાડીને અલગ-અલગ ડ્રમ તેમજ કેરબાઓમાં સંતાડેલો આશરે ૨૮૦ લીટર ‘સ્ટાયરીન મોનોમર’ (Styrene Monomer) કેમિકલનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત રૂપિયા ૨૨,૪૦૦/- જેટલી થાય છે.ઉલ્લેખનીય છે કે ગત ૨૧ મે ના રોજ એલ.સી.બી. પોલીસે પાલોદ ગામની સીમમાં અજંતા કોમ્પ્લેક્સ સામેથી હાઈવે પરના ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું આ મોટું નેટવર્ક ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. પકડાયેલ મુખ્ય આરોપી જગદીશચંદ્ર ખટીક અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરી અને મારામારી જેવા ૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. એન.જી. પાંચાણી, પી.એસ.આઈ. જે.એલ. પટેલ તથા તેમની ટીમે આ પ્રશંસનીય કામગીરી પાર પાડી છે.

error: Content is protected !!