દલાલ મારફતે સાડીની ખરીદી કર્યા પછી વેપારીએ નાણાં ન ચૂકવ્યા

સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં સાડીના વિક્રેતા પાસેથી બેંગ્લોરના વેપારીએ દલાલ મારફતે રૂ.૧.૪૭ કરોડની કિંમતનો સાડીનો જથ્થો ખરીદ કર્યો હતો,પરંતુ સાડીની ખરીદી કર્યા પછી વેપારીએ નાણાં ન ચૂકવી ઠગાઈ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના પુણા નેતલદે સોસાયટીમાં રહેતા સુરેશ હરિભાઈ રાખોલિયા સચિન જીઆઈડીસી લક્ષ્મીવિલા ટેક્સ્ટાઈલ પાર્કમાં જુદી જુદી ફર્મ હેઠળ સાડી બનાવવાનું કારખાનું ચલાવે છે.તેમની રિંગરોડ અનમોલ ટેક્સ્ટાઈલ માર્કેટમાં સાડીની ટ્રેડિંગ કરે છે.ત્યારે ગત ૨૦૨૦ વર્ષમાં કાપડ દલાલ સંજય સોહનલાલ મહેશ્વરી સાથે સંપર્ક થયો હતો.દલાલ સંજય મારફતે સુરેશ રાખોલીયાને બેંગ્લોરના વેપારી નવી ઉર્ફે નેનારામ રામનિવાસ જાટ અને તેમના પત્ની મંજુદેવી સાથે ધંધાકીય સંબંધ બંધાયા હતા.ગત તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦થી ૧૬ માર્ચ,૨૦૨૧ વર્ષના સમયગાળામાં સાડીનો વેપાર શરૂ કરાયો હતો.જેમાં ૬૦ દિવસે પેમેન્ટ ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી.જેમાં શરૂઆતમાં નાણાં ચૂકવી આપીને નેનારામે વિશ્વાસ કેળવ્યો હતો,પરંતુ અમુક રકમના આપેલા ચેક બેંકમાં રજૂ કરતાં રિટર્ન થયા હતા.આ મામલે તેમને નોટિસ આપી હતી,પરંતુ તેમણે બેંગ્લોરની દુકાનો બંધ કરી દીધી હતી.આમ, વેપારી દંપતી નવી ઉર્ફે નેનારામ રામનિવાસ જાટ (રહે. રાજેશ્રી માર્કેટ, એવન્યુ રોડ,બેંગ્લોર) મંજુદેવી નેનારામ જાટ (રહે.વર્મા બિલ્ડિંગ, આંચીપેટ ચીકપેટ બેંગ્લોર,કર્ણાટક) તેમજ સુરતના કાપડ દલાલ સંજય સોહનલાલ મહેશ્વરી (રહે.કોરલ હાઇટ્સ, અલથાણ)એ કુલ રૂ.૧,૪૭,૩૭,૫૪૭ની રકમ ન ચૂકવી ઉઠમણું કરતાં સુરેશ રાખોલિયાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!