15 વર્ષ પહેલાં મહુવા તાલુકાના ધામકડી ગામમાં આવેલી ફરિયાદીની ખેતીની જમીમાં કપચી પ્લાન ચાલુ કરાવવા જમીન બિનખેતી માટેનો અભિપ્રાય જલ્દી આપવા બદલ રૂ.6 હજારની લાંચ લેતા ઝડપાયેલા માર્ગ મકાન વિભાગ કચેરીના આરોપી જુનિયર કલાર્કને એસીબીના કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર અસ.જોશીએ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ-7 અને 13(1)(ડી) સાથે વાંચતા 13(2)ના ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ,કુલ રૂ.10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.
મહુવા તાલુકાના ધામકડી ગામના સર્વે નં.175-1 બ્લોક નં.210ની ખેતીની જમીનમાં કપચી પ્લાન (ક્રસર) ચાલુ કરવાનું હોઈ મહુવા તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં ફરિયાદીએ જમીન બિનખેતી કરાવવા તા.30-9-09ના રોજ અરજી કરી હતી.જે અંગે કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ સુરત તરફથી અભિપ્રાય મેળવવાનો બાકી હતો.જે અંગે ફરિયાદી તથા સ્ટોન ક્વોરીના ભાગીદારે નાનપુરા દયાળજી પાર્ક સામે આવેલી કાર્યપાલક ઈજનેર પંચાયત સુરતની કચેરીમાં તપાસ કરી હતી.જે દરમિયાન મૂળ ઓલપાડ તાલુકાના વેલુક ગામના વતની આરોપી જુનિયર કલાર્ક બાલુભાઈ લલ્લુભાઈ સુરતી(રે.દત્તાત્ર્ય નગર સોસાયટી ,પાલનપુર ગામ તા.ચોર્યાસી)એ જમીન બિનખેતી કરવાનો અભિપ્રાય જલ્દી આપવા માટે ગેરકાયદે રૃ.6 હજારની લાંચ માંગી હતી.જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી.જેથી એસીબીએ ગઈ તા.22-1-2010ના રોજ ગોઠવેલા લાંચના છટકામાં આરોપી જુનિયર કલાર્ક બાલુભાઈ સુરતી રંગે હાથે ઝડપાઈ ગયો હતો.જેથી એસીબી સુરત ગ્રામ્યના ફરિયાદી પીઆઈ વી.ડી.પાટીલે આરોપીની ભ્રષ્ટાચાર નિયંત્રણ અધિનિયમની કલમ 7,13(1(ઘ) તથા 13(2)ના ગુનામાં આરોપીની ધરપકડ કરી નિયત સમયમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ.
આજથી 15 વર્ષ જુના લાંચ કેસની ન્યાયિક કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલ તથા તેજશ પંચોલીએ કુલ સાત સાક્ષી તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને ઉપરોક્ત તમમા ગુનામાં દોષી ઠેરવી કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નિયંત્રણ કાયદાનો હેતુ અને ધ્યેય જાહેર સેવાને અસરકારક બનાવવાનો છે.આરોપીના ગુનાને હળવાશથી લેવામાં આવે તો જાહેર સેવકોની ગેરકાયદે પ્રવૃત્તિઓનો ભોગ બનનાર તથા સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે.