ભારતની નજીક આવેલા બે દેશ ચીન અને પાકિસ્તાન, જે કોઇપણ સમયે અવળચંડાઈ કરી ઘુસપેઠ કરવાનો પ્રયાસ કરે છે. જેને લઇને ભારતીય સેના સતત ખડપગે રહે છે અને તેને ઇંટનો જવાબ પથ્થરથી આપે છે. હવે ભારતની તાકાત વધી રહી છે કેમ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇમરજન્સી ખરીદી માટે 100 રોબો ડોગ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તો, તેમાંથી 25 મ્યૂલને સેનાને સોંપવા માટે નિરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં સેનામાં સામેલ કરવાની આશા છે. આ રોબો ડોગ્સ સારો દેખાવ કરે છે તો ટૂંક સમયમાં સેના તેની મોટી ખરીદી કરવા માટે પણ રિક્વેસ્ટ ઓફર પ્રપોઝલ મૂકી શકે છે. આર્કવેન્ચર આ મ્યૂલની સપ્લાય કરશે. આ કંપની ઘોસ્ટ રોબોટિક્સના લાયસન્સ હેઠળ આ રોબો ડોગ્સ બનાવશે. આ રોબો ડોગ્સની ખાસિયતની વાત કરીએ તો સર્વેલન્સ માટે થર્મલ કેમેરા અને અન્ય સેન્સર લાગેલા હશે. સાથે જ, તેમાં એવા નાના હથિયારો પણ લગાવી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ જવાનો સુધી નાનો-મોટો સમાન પહોંચાડવા માટે પણ કરવામાં આવી શકે છે.
આ મ્યૂલ ઉબડખાબડ જમીન, 18 સેમી ઉંચી સીડીઓ અને 45 ડિગ્રી પર્વતીય પ્રદેશ પર સરળતાથી ચઢી શકે છે. આ રોબો ડોગ મ્યૂલને ચાર પગ છે અને તેનું વજન લગભગ 51 કિલો છે અને લંબાઈ લગભગ 27 ઇંચ છે. તે 3.15 કલાક સુધી સતત ચાલી શકે છે. તેની પેલોડ ક્ષમતા 10 KG છે, તેમાં થર્મલ કેમેરા અને રડાર જેવા ઘણા સાધનો લગાવી શકાય છે. તેનો ઉપયોગ Wi-Fi અથવા લોંગ ટર્મ ઈવોલ્યુશન એટલે કે LTE પર પણ થઈ શકે છે. ટૂંકા અંતર માટે, Wi-Fi નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે 10 કિમી સુધીના અંતર માટે 4G/LTE નો ઉપયોગ કરી શકાય છે.
મ્યૂલ એક એનાલોગ-ફેસ મશીન છે જે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ પહેલા ભારતે પણ 12 માર્ચના રોજ રાજસ્થાનના પોખરણમાં થયેલ યુદ્ધાભ્યાસમાં રોબોટિક ડોગ મ્યૂલનું પ્રદર્શન કર્યું હતું. તો, મે મહિનામાં આગરા ખાતે શત્રુજીત બ્રિગેડે આવા જ એક રોબોટિક ડોગ મ્યૂલ ની ખાસિયતો શેર કરી હતી.