કચ્છના દરિયાકાંઠે નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત: લખપતમાંથી વધુ 4 ચરસના પેકેટ ઝડપાયા

કચ્છના વિવિધ સંવેદનશીલ સમુદ્ર કિનારાઓ પર સામેપારથી તણાઈને આવતાં કરોડોની કિંમતના માદક પદાર્થના પડીકાં મળી આવવાનો સિલસિલો જારી રહેવા પામ્યો હોય તેમ લખપત તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી રવિવારે સુરક્ષા એજન્સીઓને વધુ ચાર ચરસના પેકેટો બિનવારસ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નારાયણ સરોવર પોલીસની ટુકડી પંજોરાપીર દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે રેતીના પટ્ટામાંથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન, સરહદી સલામતી દળની એક ટુકડી પણ લખપત નજીકના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન કરી રહી હતી, જેમને પણ વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આમ, એક જ દિવસમાં કુલ ચાર પેકેટો સુરક્ષા એજન્સીઓના હાથે લાગ્યા હતા. આ તમામ ચાર પેકેટોને કાયદેસરની કાર્યવાહી કરી નારાયણ સરોવર પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં અબડાસા અને લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારોમાં હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન જુદા-જુદા સ્થળોએથી કુલ 30 જેટલા બિનવારસ ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂપિયા 18 કરોડ આંકવામાં આવી છે. જખૌ સ્થિત કોસ્ટગાર્ડની ટીમે ઓવરક્રાફ્ટ પેટ્રોલીંગ દરમિયાન બોયા ટાપુ પરથી 20 પેકેટ (અંદાજે 24 કિલો) ચરસ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત રૂપિયા 12 કરોડ છે. બીજી તરફ, લખપત નજીક બકલ ટાપુ વિસ્તારમાં સરહદી સલામતી દળની પેટ્રોલિંગ ટુકડીએ તપાસ દરમિયાન વધુ 10 જેટલા ચરસના પડીકાં ખોળી કાઢી એક જ દિવસમાં કુલ 30 પેકેટો મળતા સુરક્ષા દળો ચોંકી ઉઠ્યા હતા.ચરસના જથ્થા ઉપરાંત, અબડાસાના લુણા ટાપુ પરથી મરીન પોલીસ, સ્ટેટ ઇંટેલિજન્સ બ્યુરો અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત તપાસમાં એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવ્યું છે જેને કબજે કરી એરફોર્સને સુપરત કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે સતત મળી રહેલા કેફી દ્રવ્યોના પેકેટોને પગલે ગુપ્તચર એજન્સીઓએ પેટ્રોલીંગ સઘન બનાવ્યું છે અને હજુ પણ વધુ જથ્થો મળવાની શક્યતાએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.

error: Content is protected !!