દર મહિનાની શરૂઆતમાં અનેક નિયમો બદલાય છે તેવી જ રીતે જુલાઈ 2025માં ઘણા નિયમોમાં ફેરફાર થશે. જુલાઈમાં જે ફેરફાર થશે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે.
આમાં રેલ્વે ટિકિટ બુકિંગથી લઈને બેંકિંગ સેવાઓ સુધીના ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતાઓ છે.ભારતીય રેલ્વે 1 જુલાઈથી ટિકિટ ભાડામાં વધારો કરી શકે છે. નોન-એસી કોચ માટે ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થઈ શકે છે. ટૂંકી મુસાફરીમાં આ વધારો નજીવો હોઈ શકે છે પરંતુ લાંબા અંતરના મુસાફરોને અસર થઈ શકે છે.ટિકિટ દલાલો પર કડક કાર્યવાહી કરવા અને પારદર્શિતા વધારવા માટે IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી છે. 1 જુલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. 15 જુલાઈથી ટિકિટ બુકિંગ દરમિયાન OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત છે. એજન્ટોને બુકિંગ શરૂ થયાના 30 મિનિટ પછી જ તત્કાલ ટિકિટ બુક કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આનાથી સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે.
જો તમે ICICI બેંકના ગ્રાહક છો તો ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે. મેટ્રો શહેરોમાં 3 વાર ટ્રાન્જેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્જેક્શન ₹23 અને બિન-રોકડ ટ્રાન્જેક્શન ₹8.5 ફી છે જેમાં બિન-મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાન્જેક્શનની મર્યાદા છે.દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG (રાંધણ ગેસ) અને ઉડ્ડયન ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. 1 જુલાઈના રોજ પણ LPGના ભાવમાં ઘટાડો અથવા વધારો શક્ય છે. આની સીધી અસર ઘરના બજેટ પર પડશે. આ ફેરફારના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડી શકે.