વ્યારા: તાપી જિલ્લામાં તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિસર્જન શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના ૮ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, જવાનો અને વિવિધ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં સ્થાપિત ૮૧૫ નાની-મોટી શ્રીજીની મૂર્તિઓ પૈકી ૫૨૩ મૂર્તિઓનું વિધિવત્ વિસર્જન કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ૧ પોલીસ અધિક્ષક, ૩ નાયબ પોલીસ અધિક્ષક, ૧૯ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૨૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ૫૨૫ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત ૬૫ લોકરક્ષક તાલીમાર્થીઓ, ૩૮૦ હોમગાર્ડ, ૫૧૫ જી.આર.ડી. અને ૯૫ ટી.આર.બી. જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ અને જવાનોને તેમના કાર્યક્ષેત્ર મુજબ જવાબદારીઓ સોંપવામાં આવી છે.સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ૭૭ બોડીવોર્ન કેમેરા, એક ડ્રોન કેમેરો, ૧૫ ખાનગી વિડિયોગ્રાફર અને ૧૧ પેટ્રોલિંગ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. વ્યારા અને સોનગઢ ખાતેના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર બંદોબસ્ત પર સતત નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ અસામાજિક તત્ત્વોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
તાપી જિલ્લા પોલીસે ગણેશ વિસર્જન દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી છે. તમામ ભક્તો ઉત્સવને આનંદપૂર્વક માણે અને વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.





