ડાંગના વઘઇમાં કાળનો કહેર: કાર નદીમાં ખાબકતાં બે સરકારી કર્મચારીઓનાં મોત, એક ઇજાગ્રસ્ત

ડાંગ : વઘઇ તાલુકાના પાવડી ગામ નજીક ડાડધા ફાટક પાસે આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે સરકારી કર્મચારીઓનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. ગાંધીનગર તરફથી આવી રહેલી કાર ચાલકનો કાબૂ ગુમાવતાં કાર રોડની સુરક્ષા રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં નર્મદા કલ્પસર વિભાગમાં ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ એમ. ડામોર, આણંદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં સોનુભાઈ બી. બારિયા અને વઘઇ ખાતે એમ.પી.એચ.ડબલ્યુ. તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર જી. ગરાસિયા સવાર હતા. તેઓ ગાંધીનગર તરફથી આવી રહ્યા હતા, ત્યારે વઘઇના પાવડી ગામ નજીક ડાડધા ફાટક પાસે કાર ચાલકનો વાહન પરથી કાબૂ છૂટી ગયો હતો. આથી કાર રોંગ સાઈડમાં ફંટાઈ હતી અને રોડ પરની સુરક્ષા રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં સંદીપભાઈ એમ. ડામોર અને શૈલેષકુમાર જી. ગરાસિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર સોનુભાઈ બી. બારિયાને સ્થાનિક ગ્રામજનોએ સમયસર બચાવીને કારમાંથી બહાર કાઢ્યાં હતાં. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ વઘઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ફરજ પરના સરકારી કર્મચારીઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ છે.

error: Content is protected !!