Trending Local News: ભારતીય સેનામાંથી નિવૃત સુબેદાર કિશન ગાવિતનું ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય સેનામાં ૨૮ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત થયેલા સુબેદાર કિશનભાઇ બાબુભાઈ ગાવિતનું કુટુંબીજનો, ગ્રામજનો અને મિત્રમંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા યોજવામાં આવી હતી.રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે પણ નિવૃત્ત સુબેદાર કિશન ગાવિતને નિવૃત્ત જીવન નિરામય પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ખાબદા ગામના વતની સુબેદાર કિશનભાઇએ વર્ષ ૧૯૯૮માં ભારતીય સેનામાં સોલ્જર જનરલ ડ્યુટી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પંજાબ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, મહારાષ્ટ્ર, દિલ્લી,લેહ લદદાખ, પશ્ચિમ બંગાળ સહિત દેશના જુદા જુદા ભાગોમાં ફરજ બજાવી હતી.

નાશિક ખાતેથી સેવાનિવૃત થયેલા સુબેદાર કિશનભાઇ ટ્રેન દ્વારા નવાપુર સ્ટેશન પર આવી પહોંચતા તેમના પિતાશ્રી બાબુભાઈ ગાવિત, માતાશ્રી ગુંતીબેન, ધર્મપત્ની શોભાબેન ગાવિત સહિત પરિવારજનો, ગ્રામજનો અને મિત્રમંડળ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. સ્વાગતની સાથે વાજતે ગાજતે શોભા યાત્રા પણ કાઢવામાં આવી હતી.

રાજ્યમંત્રી જયરામ ગામીતે નિવૃત્ત સુબેદાર કિશન ગાવિતને નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી

શોભાયાત્રા બિરસા મુંડા સર્કલ ખાતે આવી પહોંચતા સુબેદાર કિશન ગાવિત અને તેના પરિવારજનો સાથે રાજ્યમંત્રી જયરામ ગામીતે પણ ભગવાન બિરસા મુંડાની પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોભાયાત્રાને આગળ ધપાવી હતી.

સોલ્જર જનરલ ડ્યુટી તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર કિશનભાઇ ગાવિતને પ્રથમ લાંસ નાયક, બીજું નાયક, ત્રીજું હવાલદાર,ચોથું નાયબ સુબેદાર,અને સુબેદાર નું પ્રમોશન ઉચ્ચ કારકિર્દી બનાવી હતી. સેનામાંથી સુબેદાર જેવા ઉચ્ચ પદ પર પહોંચી કિશન ગાવિતે ગામ તેમજ વિસ્તારનું નામ રોશન કર્યું છે.તેમની આ ગૌરવાન્વિત કારકિર્દી માટે તેમને સામાન્ય સેવા મેડલ, ૯ વર્ષ લાંબી સેવા માટે લોંગ સર્વિસ મેડલ, ૨૦ વર્ષની સેવા માટે ૨૦ વર્ષ લાંબી સેવા મેડલ અને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વે એનિવર્સરી મેડલ એમ ચાર પદકોથી નવાજવામાં આવ્યા હતા.

સુબેદાર જેવા ઉચ્ચ પદ પરથી સેવા નિવૃત થવા બદલ કિશન ગાવિતને ચોમેરથી નિવૃત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!