વર્ષ ૨૦૧૩ના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે ગુજરાત હાઈકોર્ટમાં અસ્થાયી જામીન મેળવવા માટે નવી અરજી દાખલ કરી છે. જસ્ટિસ ગીતા ગોપી અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ડિવિઝન બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન આસારામના વકીલે રજૂઆત કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં તેમની મોટી ઉંમર અને ૧૩ વર્ષથી વધુના લાંબા જેલવાસને ધ્યાનમાં રાખીને ૨૦ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. વકીલે દલીલ કરી હતી કે હાલ ભલે તેમનો શારીરિક કબજો રાજસ્થાન પાસે હોય, પરંતુ કાનૂની દ્રષ્ટિએ તેમનો કન્સ્ટ્રક્ટિવ કબજો ગુજરાત પાસે પણ છે. જો ગુજરાતમાંથી ટેમ્પરરી જામીન નહીં મળે, તો રાજસ્થાન હાઇકોર્ટનો આદેશ નિરર્થક સાબિત થઈ શકે છે.
આ દરમિયાન કોર્ટે ‘ફર્લો એ કોઈ કાનૂની અધિકાર નથી’ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ફર્લો નહીં પરંતુ ટેમ્પરરી બેલની માંગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તબીબી સારવારના આધારે આસારામની વચગાળાના જામીનની અન્ય એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે, જ્યાં અગાઉ તેમને ચોવીસ કલાક પ્રશિક્ષિત કેરગિવરની સેવા મેળવવાની છૂટ આપવામાં આવી હતી. આજના પ્રકરણે ગુજરાત સરકાર દ્વારા વધુ સમયની માંગણી કરવામાં આવતાં હાઈકોર્ટે આગામી સુનાવણી આગામી ૭ સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.





