જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલમાં થયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું ત્યાં સ્ટેજની પાસે બેઠેલા એક શખ્સે અચાનક ઉભા થઈને છૂટો બૂટ ફેંક્યો હતો. આ બૂટ ફેંકનારને લોકોએ પકડીને બરાબર મેથીપાક ચખાડ્યો હતો. ત્યાં ઉભેલી પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર યુવકની અટકાયત કરી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
જામનગરમા જાહેર સભામાં ગોપાલ ઈટાલિયા પર બુટ ફેંકનાર કોણ છે તેની ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ છૂટો બૂટ ફેંક્યો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેને પકડીને બરાબર માર માર્યો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ટોળામાંથી છત્રપાલસિંહને છોડાવીને ગાડીમાં બેસાડ્યો હતો અને ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળમાં તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતુ ફેંક્યું હતું. આ ઘટનાના આઠ વર્ષ બાદ ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે છત્રપાલસિંહે આ જ ઘટનાનો બદલો લીધો હોવાનું કહ્યું હતું.
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ સભામાં જનમેદની જોઈને ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું. આ બંને પક્ષોએ ભેગા થઈને મારી પર ચપ્પલ ફેંક્યું છે. હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારુ અને ડ્રગ્સ પર વાત કરી રહ્યો હતો. સામાન્ય લોકોને સરકારી કચેરીમાં તકલીફો પડે છે તેની પર વાત કરી રહ્યો હતો. મારી પર આ હુમલો કરવામાં આવ્યો તે યોગ્ય નથી. હું અને મારી પાર્ટી સત્તામાં નથી.





