નવી દિલ્હી :દેશમાં લોકોના રસોડાથી લઈને શોપિંગ કાર્ટ અને ફૂડ ડિલિવરી એપ સુધી પહોંચેલી દિગ્ગજ કંપનીઓ માટે હવે ફૂડ સેફ્ટીના નિયમો સાથે રમત કરવી ભારે પડી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલિંગના નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. 
તાજેતરના મહિનાઓમાં 150થી વધુ અગ્રણી કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.FSSAIની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ છે કે બ્રાન્ડ ભલે કેટલુંય મોટું હોય, ગ્રાહકોના હિત અને ખાદ્ય સુરક્ષાના નિયમોમાં બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.
FSSAIની કાર્યવાહી હેઠળ નેસ્લે ઇન્ડિયા, પેપ્સીકો, કોકા-કોલા ઇન્ડિયા, એબોટ ઇન્ડિયા, રેડ બુલ ઇન્ડિયા, ડાનોન ઇન્ડિયા, મોન્સ્ટર એનર્જી, હેલ એનર્જી, મોન્ડેલેઝ ઇન્ડિયા, ફેરરો ઇન્ડિયા, ડિયાજિયો, પર્નોડ રિકાર્ડ અને કેનવ્યુ સહિતની અગ્રણી કંપનીઓના નામ સામે આવ્યા છે.ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ અને અન્ય પીણાંના દાવા, ઉત્પાદનના લેબલ અને ગ્રાહકોને આપવામાં આવતી માહિતી અંગે નિયમનકારી તંત્રે ગંભીરતા દર્શાવી છે. કેટલીક કંપનીઓના ઉત્પાદનોનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
FSSAIની નજર માત્ર ઉત્પાદન બનાવતી કંપનીઓ સુધી સીમિત રહી નથી. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને કુલ 12 નોટિસો આપવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન એમેઝોનના એક વેરહાઉસનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.અર્થાત્, હવે ઓનલાઈન વેચાણમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નિયમોના પાલન અંગે બેદરકારી રાખવી મુશ્કેલ બનશે.
ફાસ્ટ ફૂડના શોખીનો માટે પણ આ કાર્યવાહી મહત્વની છે. FSSAI દ્વારા KFC, McDonald’s, Pizza Hut, Domino’s અને Costa Coffee જેવી જાણીતી ફૂડ સર્વિસ બ્રાન્ડ્સ સામે 30થી વધુ નોટિસો પાઠવવામાં આવી છે.આમાં ડોમિનોઝના 5 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહીથી ફૂડ ચેઇન્સમાં પણ ખાદ્ય સુરક્ષા અને નિયમોના પાલન અંગે તંત્રની કડકાઈનો અંદાજ આવે છે.FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ભ્રામક દાવા તથા ખાદ્ય ગુણવત્તા સંબંધિત નિયમોના ઉલ્લંઘન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.
કાર્યવાહી બાદ કેટલીક કંપનીઓએ પોતાના લેબલિંગ અને પ્રોડક્ટ દાવાઓમાં સુધારાત્મક પગલાં લેવાનું શરૂ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.મોટી બ્રાન્ડ, મોટું પેકેટ કે મોટી જાહેરાત-નિયમો સૌ માટે એકસરખા છે. FSSAIની આ કાર્યવાહી બાદ ગ્રાહકના હાથમાં પહોંચતા દરેક પેકેટ પર લખાયેલા દાવા અને માહિતીની જવાબદારી હવે કંપનીઓ માટે વધુ ગંભીર બની શકે છે. news source : GS





