હવાઈ મુસાફરી દરમિયાન હવે મુસાફરોએ પોતાની ટેવોમાં ફેરફાર કરવો પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને DGCA દ્વારા પાવરબેંકના ઉપયોગ અંગેના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે તમે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન પાવરબેંક દ્વારા મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરી શકશો નહીં.
આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ મુસાફરોની સુરક્ષા છે. પાવરબેંકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. ટેકનિકલ ખામી અથવા વધુ પડતા વપરાશને કારણે આ બેટરી ક્યારેક અચાનક ‘ઓવરહીટ’ થઈ શકે છે. વિમાન જેવા બંધ અને ઊંચાઈ પર ઉડતા સ્થળે જો બેટરીમાં આગ લાગે કે ધુમાડો નીકળે, તો તે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ જોખમ નિવારવા માટે જ વપરાશ પર રોક લગાવવામાં આવી છે.
માત્ર હેન્ડ બેગેજ: પાવરબેંકને માત્ર તમારી સાથેની કેબિન બેગમાં જ રાખી શકાશે. તેને ચેક-ઈન બેગેજમાં રાખવાની સખત મનાઈ છે.
ઉપયોગ પર પ્રતિબંધ: ફ્લાઇટ ટેક-ઓફ થાય ત્યારથી લેન્ડ થાય ત્યાં સુધી પાવરબેંકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ રાખવો પડશે.
વૈકલ્પિક સુવિધા: જો તમારો ફોન ડિસ્ચાર્જ થઈ જાય, તો એરલાઈન્સ મુસાફરોને સીટ પાસે આપેલા USB ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
જોકે આ નિયમ જૂનો જ છે, પરંતુ તાજેતરમાં વધતી જતી સુરક્ષા ચિંતાઓને પગલે હવે એરલાઈન્સ તેનું કડક પાલન કરાવી રહી છે. એરપોર્ટ પર બોર્ડિંગ સમયે અને ફ્લાઇટની અંદર પણ સતત એનાઉન્સમેન્ટ દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી રહી છે. મુસાફરો માટે શ્રેષ્ઠ સલાહ એ જ છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ગેજેટ્સ ફૂલ ચાર્જ કરી લે, જેથી સફર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.





