ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર અને તેની આસપાસ હવે નોનવેજ ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેમાં આ પ્રતિબંધ હવે માત્ર હોટલ, ઢાબા અને દુકાનો પૂરતો મર્યાદિત નહી રહે. આ પ્રતિબંધ રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગની આસપાસ ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપનીઓને પણ લાગુ પડશે. જે અંગે વહીવટીતંત્રએ હોટલ સંચાલકો, દુકાનદારો, ગેસ્ટ હાઉસ, હોમસ્ટે અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને આદેશની જાણ કરી છે. તેમજ આદેશ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
સહાયક ખાદ્ય કમિશનર માણિક ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં નોનવેજ ફૂડના વેચાણ પર પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ કેટલીક હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે તેનું પાલન કરી રહ્યા નથી. ફરિયાદો મળી હતી કે પ્રવાસીઓને ઓનલાઈન ઓર્ડર કરીને નોનવેજ ફૂડ મંગાવવામાં આવી રહ્યું છે. જેના પગલે હવે વહીવટીતંત્રે હવે રામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઓનલાઈન નોન વેજ ફૂડ ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે. તમામ સંબંધિત સંસ્થાઓ અને ઓનલાઈન ડિલિવરી કંપનીઓને આ આદેશની જાણ કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ આદેશનો કડક અમલ કરશે, નિયમિત દેખરેખ રાખશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે.





