નવી દિલ્હી: પુરીના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરની વિશાળ સંપત્તિનો આંકડો સામે આવ્યો છે. મંદિરના બેન્ક ખાતાઓમાં આશરે રૂ.1,912 કરોડ જમા છે, જ્યારે દેશભરમાં મંદિરના નામે 60,821 એકર જમીન નોંધાયેલી છે. આ જમીનનું કુલ ક્ષેત્રફળ આશરે 246 ચોરસ કિ.મી. થાય છે, જે નોઈડા શહેરના ક્ષેત્રફળ કરતાં પણ વધુ છે.
મંદિરના જણાવ્યા મુજબ, 31 ઓગસ્ટ સુધી રૂ.1,811.10 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ હતી. તેમાં રૂ.1,311.10 કરોડ વિવિધ સરકારી બેન્કોમાં અને ઓડિશા સરકારના રૂ.500 કરોડના કોર્પસ ફંડનો સમાવેશ થાય છે. ઉપરાંત, મંદિરના બચત, કરન્ટ અને ફ્લેક્સી ખાતાઓમાં રૂ.100.71 કરોડની રોકડ સિલક છે. આ ઉપરાંત રત્નભંડારમાં રહેલા સોના, હીરા અને કિંમતી આભૂષણોની સંપત્તિ અલગ છે.





