સુનિતા વિલિયમ્સે અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે. તેમણે નાસામાં કુલ 27 વર્ષ સુધી સેવા આપી અને આ સમયગાળા દરમિયાન ત્રણ અલગ-અલગ સ્પેસ મિશનમાં ભાગ લઈને કુલ 608 દિવસ અવકાશમાં વિતાવ્યા. આ સમયગાળો કોઈપણ નાસા અવકાશયાત્રી માટે બીજો સૌથી લાંબો કુલ અવકાશ નિવાસ છે.
નાસાએ જાહેર કરેલી માહિતી અનુસાર, સુનિતા વિલિયમ્સની નિવૃત્તિ 27 ડિસેમ્બર, 2025થી અમલમાં આવી છે. તેમનું તાજેતરનું સ્પેસ મિશન ખાસ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર માત્ર 10 દિવસ માટે ગયા હતા, પરંતુ ટેક્નિકલ કારણોસર તેમને ત્યાં લગભગ સાડા નવ મહિના રોકાવું પડ્યું હતું. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને સુનિતા વિલિયમ્સના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “સુની વિલિયમ્સ માનવ સ્પેસ ફ્લાઇટમાં અગ્રણી રહી છે. તેમના નેતૃત્વ અને સંશોધન કાર્યએ ભવિષ્યના અવકાશ મિશનો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે.”
સુનિતા વિલિયમ્સ 1998માં નાસામાં જોડાયા હતા. ત્રણ સ્પેસ ફ્લાઇટ્સ દરમિયાન તેમણે 608 દિવસ અવકાશમાં વિતાવ્યા, જે નાસાના ઇતિહાસમાં બીજો સૌથી લાંબો સમય છે. એક અમેરિકન અવકાશયાત્રી દ્વારા કરવામાં આવેલી સૌથી લાંબી સિંગલ સ્પેસ ફ્લાઇટની યાદીમાં તેઓ છઠ્ઠા ક્રમે આવે છે.સુનિતા વિલિયમ્સે કુલ 9 સ્પેસવોક પૂર્ણ કર્યા છે, જેમાં તેમણે 62 કલાક અને 6 મિનિટ અવકાશમાં વિતાવ્યા છે. આ કોઈપણ મહિલા અવકાશયાત્રી દ્વારા કરાયેલો સૌથી વધુ સ્પેસવોક સમય છે. નાસાની સર્વકાલીન યાદીમાં તેઓ ચોથા ક્રમે આવે છે. ખાસ વાત એ છે કે તેઓ અવકાશમાં મેરેથોન દોડનારી પ્રથમ વ્યક્તિ પણ રહી છે.સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક ન્યુરોએનાટોમિસ્ટ હતા અને તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં જન્મેલા હતા. બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા અને સ્લોવેનિયન મૂળની બોની પંડ્યા સાથે લગ્ન કર્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો હતો અને તેઓ અમેરિકન નાગરિક છે, છતાં ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે તેમનો ભાવનાત્મક નાતો રહ્યો છે.





