માથેરાનને જોડતા એકમાત્ર નેરલ-માથેરાન ઘાટ રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. ઘાટના જુમ્મા પટ્ટી વિસ્તારમાં આવેલા જોખમી ‘એસ-ટર્ન’ પરની લોખંડની સલામતી રેલિંગ તૂટી જતાં ખીણ તરફનો ભાગ ખુલ્લો પડી ગયો છે, જેના કારણે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર દર વર્ષે રસ્તાના સમારકામ માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે, છતાં રસ્તા પર ખાડા અને સલામતીના અભાવથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. ચોમાસું નજીક હોવાથી તાત્કાલિક સમારકામ, રસ્તાનું પહોળીકરણ અને મજબૂત સલામતી દિવાલ બનાવવાની માંગ ઉઠી છે. માંગણીઓ નહીં સંતોષાય તો સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.





