અકસ્માતની ઘટના ગાંધીનગરથી સામે આવી છે. જેમાં કારમાં સવાર 2 લોકોના મૃત્યુ થયા હતા. ગાંધીનગરના નાના ચિલોડા સર્કલથી લીંબડીયા જવાના રસ્તે આ ગોઝારો અકસ્માત થયો હતો.ગાંધીનગર નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ટ્રકની પાછળ બ્રેઝા કાર ઘૂસી જતાં બે યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા કારનાં આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ગાંધીનગર ફાયર બ્રિગેડને કારનો દરવાજો અને બોડી રેસ્કયૂ સાધનો વડે કાપીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.
અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા અને ગાડીમાં સવાર યુવાનોના મૃતહેદ બહાર કાઢવા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી હતી પરંતુ કાર પડીકું વળી ગઈ હોવાથી મૃતદેહને બહાર કાઢવા કારનો દરવાજો તેમજ કારની બોડી રેસ્કયૂના સાધનો વડે કાપી હતી. બંને યુવકના નામ વિજયકુમાર મનહરલાલ જાગેટિયા તેમજ દીપેશ રાજુભાઈ રમદાણી હોવાનું સામે આવ્યું છે.આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.