ઉદવાડા ગ્રામ પંચાયતનો ‘ભ્રષ્ટાચારનો અડ્ડો’ ખુલ્લો પડ્યો: જમીન ફેરફાર માટે ૩ લાખની લાંચ માંગનાર સરપંચ-ઉપસરપંચ સહિતની ત્રિપુટી ACBની ઝપટમાં

વલસાડ: ઉદવાડા જેવા ઐતિહાસિક અને પવિત્ર ગામની ગ્રામ પંચાયત હવે તેના વહીવટી કામો માટે નહીં, પરંતુ ભ્રષ્ટાચારના કલંક માટે ચર્ચામાં આવી છે. ગ્રામજનોના વિશ્વાસ પર પાણી ફેરવીને પંચાયતના સુકાનીઓએ જ જ્યારે ‘લાંચની દુકાન’ શરૂ કરી હોય, ત્યારે સામાન્ય માણસે ન્યાય માટે કોના દ્વાર ખખડાવવા? ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ-સરપંચ અને એક મહિલા સભ્ય દ્વારા જમીન હેતુ ફેરફારના કામમાં લાખો રૂપિયાની લાંચ માંગવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.

ACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક અરજદારે પોતાની ખેતીવાડીની જમીનને રહેણાંક ઝોનમાં ફેરવવા માટે ઉદવાડા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (UADA) ની ટી.પી. કમિટી અને ગ્રામ પંચાયતની સામાન્ય સભામાંથી ઠરાવ પસાર કરાવવાનો હતો. આ સામાન્ય વહીવટી પ્રક્રિયા માટે આ ‘ખુરશી પર બેઠેલા’ શાસકોએ કાયદેસરના કામ માટે પણ લાંચની માંગણી કરી હતી. સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ડાહ્યાભાઇ પટેલ અને ઉપ-સરપંચ સરોસ બહેરામ ઇરાનીએ આ કામના અવેજ પેટે પૂરા ૩ લાખ રૂપિયાની તોતિંગ લાંચ માંગી હતી.

ભ્રષ્ટાચારની આ ઘટનામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, લાંચની માંગણી સરપંચ અને ઉપ-સરપંચે કરી હતી, પરંતુ રકમ સ્વીકારવાનું કામ વોર્ડ નં.૪ ના સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન ઉમેશચંદ્ર પટેલને સોંપાયું હતું. આમ, આખેઆખી ત્રિપુટી એકબીજાની મદદગારીથી લાંચ લેવાના ગુનામાં ખરડાઈ ગઈ છે. સત્તાનો દુરુપયોગ કરી, સરકારી હોદ્દા પર બેસીને પ્રજાના કામો માટે ખંડણી ઉઘરાવતા આ પ્રતિનિધિઓની ગંદી માનસિકતા આજે ઉઘાડી પડી છે.

આરોપીઓના અહંકારી વલણ અને ભ્રષ્ટાચારથી કંટાળેલા અરજદારે આખરે વલસાડ એ.સી.બી.નો સંપર્ક કર્યો. ACBની ટીમે ટ્રેપ ગોઠવીને આ ત્રિપુટીને રંગેહાથ ઝડપી પાડી હતી. વલસાડ-ડાંગ ACB પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે નવસારી ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી. સોલંકી તપાસ કરી રહ્યા છે, જ્યારે સુરત ACBના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે.

error: Content is protected !!