ગાંધીનગર: રોજિંદા એસ.ટી. બસમાં અપડાઉન કરતા મુસાફરોને રાહત આપવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મુસાફરોને ભાડામાં ૫૦ ટકા સુધીની રાહત મળશે.
માસિક પાસ માટે અગાઉ ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જે ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે.
તેવી જ રીતે, ત્રિમાસિક પાસમાં અગાઉ ૫૪ દિવસના ભાડા સામે હવે ૪૫ દિવસનું ભાડું ચૂકવી ૯૦ દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના ૨.૫ લાખથી વધુ નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓને સીધો આર્થિક લાભ મળશે.





