શાકભાજીના ભાવ આસમાને

ગુજરાતમાં આ વર્ષે વરસાદની શરૂઆત જૂનના બીજા અઠવાડિયાથી થઈ ગઈ હતી અને અત્યારે એટલે કે ઓકટોબર સુધી ચાલુ છે. સતત ચાલુ રહેતા વરસાદના કારણે આ વર્ષે ખેતીને વ્યાપકપણે નુકસાન પહોચ્યુ છે. જેમાં શાકભાજીને પણ ખૂબ જ નુકસાન થયુ છે. સતત વરસતાં વરસાદને કારણે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો સદી ફટકારી દીધી છે.

આ વખતે ગુજરાતમાં મેઘરાજાને જવાના મૂડમાં હોય તેમ હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ઘણાં જિલ્લામાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. છતાં હજુ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ચોમાસુ પાક તબાહ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આ વરસાદમાં ખેતીપાકોની સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે.

વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કોહવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પગલે ટામેટાં કિલોના રૂ. 100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં રૂ. 100ના ભાવે વેચાઇ રહી છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ. 100 સુધી પહોંચ્યા છે. આદુનો એક કિલોનો ભાવ રૂ. 140થી 150 સુધી થયો છે. બટાકા પણ કિલોના રૂ. 50ના ભાવે વેચાઇ રહ્યાં છે. બીજીતરફ વરસાદને કારણે ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જ્થ્થો પણ ઘટ્યો છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. આ કારણોસર હોટલ-રેસ્ટોરન્ટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છેકે, જ્યાં સુધી વઘુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંઘું થયું છે.

error: Content is protected !!