ગુજરાતમાં નવેમ્બર માસની શરૂઆતથી જ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં સવારે ગુલાબી ઠંડીની અસર જોવા મળી છે. તેવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં 22 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. જ્યારે હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે.
તેમના જણાવ્યા અનુસાર 6 થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે. આ ઉપરાંત 7 થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું લાવવાની સંભાવના છે. આ વાવાઝોડાથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે,જે ખેડૂતો માટે ચિંતાજનક છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,આગળ વધતા વાતાવરણમાં 13 અને 14 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. જેના કારણે સ્થાનિક હવામાન પર પણ અસર થઈ શકે છે. આ પછી 17 અને 18 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. 19 થી 22 નવેમ્બરના અંતરાલમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક પ્રચંડ વાવાઝોડું આવવાની આગાહી છે. જેના કારણે રાજ્યમાં ફરીથી માવઠું લાવવાની શક્યતા છે.