નવી દિલ્હી:કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં દાવો કર્યો છે કે જો ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલતી કારનો ઉપયોગ કરવામાં આવે, તો વાહનવ્યવહારનો ઈધણ ખર્ચ ઘટીને માત્ર રૂ. ૨૫ પ્રતિ લિટર સુધી આવી શકે છે. દેશમાં આગામી ઓક્ટોબર મહિનામાં ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલતી ખાસ કાર લૉન્ચ થવા જઈ રહી છે, જેમાં પેટ્રોલની કોઈ જરૂર રહેશે નહીં.
સરકારની ‘E-૨૦’ ઈથેનોલ બ્લેન્ડિંગ નીતિ અંગે સંસદ અને સોશિયલ મીડિયા પર વાહનોના એન્જિન પર તેની અસરોને લઈને ઉઠાવવામાં આવેલી શંકાઓ અને ટીકાઓનો જવાબ આપતા પ્રધાને આ સ્પષ્ટતા કરી હતી. ઓક્ટોબરમાં લૉન્ચ થનારી આ નવી કાર ટોયોટાની ‘ઈનોવા ફ્લેક્સ ફ્યુઅલ’ (Toyota Innova Flex Fuel) સ્વરૂપે આવશે, જે સંપૂર્ણપણે પેટ્રોલના બદલે ૧૦૦ ટકા ઈથેનોલ પર દોડશે. આ કારની વિશેષતા એ છે કે તે ડ્રાઇવિંગ દરમિયાન ૬૦ ટકા વીજળી પણ ઉત્પન્ન કરશે.
વર્તમાન સમયમાં વિશ્વના ૧૯ જેટલા દેશોમાં ઈથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં પણ અત્યાર સુધી વાહનોમાં ઈથેનોલના ઉપયોગને લઈને કોઈ નકારાત્મક કે ગંભીર ફરિયાદ સામે આવી નથી. સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર નિર્માતા કંપનીઓ, ઓટો એસોસિએશનો તેમજ ગ્રાહક જૂથો તરફથી E-૨૦ ના ઉપયોગથી વાહનની માઈલેજ, એન્જિનની સ્થિતિ કે મેઈન્ટેનન્સ ખર્ચ અંગે કોઈ પણ પ્રકારની નક્કર ફરિયાદો મળી નથી. આ પગલાથી દેશને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે નાગરિકોને આર્થિક રાહત મળવાની પણ અપેક્ષા છે.





