સુરત ગ્રામ્ય LCB એ હાઈવે પર માલવાહક વાહનોમાંથી થતી ચોરી અટકાવવાના અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. ટ્રાન્સપોર્ટ માલિકની જાણ બહાર ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી અન્ય ટેમ્પોમાં ભરી રહેલા ત્રણ ઇસમોને પોલીસે રૂ.54.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાથી LCB પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ. એન.જી. પાંચાણીની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જે.એલ. પટેલની ટીમના એએસઆઈ મુકેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ અનિલભાઈને બાતમી મળી હતી કે એક ટ્રક GJ-19-Y-1495 નો ચાલક ચોરી કરેલો માલ ખોલવડ ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપ પાસે અન્ય ટેમ્પોમાં ખાલી કરી રહ્યો છે.પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્રણ ઇસમો પ્લાસ્ટિકના દાણાની બેગો ટ્રકમાંથી બે આઈશર ટેમ્પોમાં ભરી રહ્યા હતા. પોલીસે તેમની પાસે માલના બિલ કે આધાર માંગતા તેઓ આપી શક્યા નહોતા.
આ મામલે (1) ગિરજેશકુમાર રામહિત ગૌતમ રહે. કડોદરા (મૂળ યુ.પી.) (2) ભગવાનભાઇ ઝીણાભાઇ બોડીયા રહે.ખોલવડ, કામરેજ (3) ભરતભાઇ કાળુભાઇ મેર રહે. લસકાણા, સુરત નાઓની ધરપકડ કરી પ્લાસ્ટિકના દાણાની 705 બેગ, એક અશોક લેલન ટ્રક અને બે આઈશર ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ.54.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડના કર્મચારીઓએ સંયુક્ત રીતે ટીમવર્ક બતાવ્યું હતું.





