કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતમાં કુલ ૧૭ ઈ – રીક્ષાઓનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વછતા જાળવવા ઈ -રીક્ષાઓ પંચાયતને આપવામાં આવી છે. તેથી તમામ લોકો સ્વછતા બાબતે જાગૃત બની ઈ – રીક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે.વધુમાં આજે લોકાર્પણ થઈ રહેલી ઈ -રીક્ષાના ઉપયોગ અને તે અંગેની ચર્ચા ગ્રામજનો સાથે કરવામાં આવે તે માટે શ્રી વિજયભાઈ પટેલે સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો. સાથે જ સરપંચ તરીકે પોતાની ફરજ નિભાવી ગામમા વીજળી પાણીની સુવિધા છે કે નહીં તે અંગે વ્યવસ્થા ઉભી કરવી તેમજ ગામમાં સ્વછતા બાબતે ધ્યાન આપી વિકાસકીય નાના-મોટા કામોનું એક્શન પ્લાન બનાવી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવાની અપીલ પણ સરપંચશ્રીઓને કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત શૌચાલય મુક્ત બનાવવાની પહેલ કરી છે ત્યારે આપણો જિલ્લો પણ સ્વછતા શૌચાલય મુક્ત બની રહે તે માટે સ્વછતા અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો હતો.તેમજ આજે આહવા તાલુકામાં લોકાર્પણ થયેલ ઈ- રીક્ષાઓ ગ્રામ પંચાયતનું ઘરેણું છે જે સ્વછતા બાબતે વધુ ઉપયોગી થશે તેમ શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યું હતું કે, જિલ્લાના આહવા તાલુકામાં – ૧૭, સુબીર તાલુકામાં – ૧૧ અને વઘઈ તાલુકામાં – ૧૧ કુલ ૩૯ ઈ-રીક્ષાની ખરીદી કરવામાં આવેલ છે. જે અંતર્ગત આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૭ ઈ-રીક્ષા લોકાર્પણ કરવામાં આવી છે. જેમાં આહવા, શામગહાન, ગલકુંડ, પિંપરી, ગાઢવી, દિવાનટેબરુન, ચિંચલી, ભવાનદગડ, ચિકટિયા, ગોટીયામાળ, માલેગામ, બોરખલ, ધવલીદોડ ગામમાં ઈ – રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે.