ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીની શરૂઆત થઈ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે.રાજયમાં છેલ્લા બે દિવસમાં ગરમીના પ્રમાણના ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આજે બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે આવ્યું છે. રાજ્યમાં મંગળવારે 33 ડિગ્રીથી લઈને 39.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું.